અડવાણીના બ્લોગના આધારે સેમ પિત્રોડાના ભાજપ પર પ્રહાર

પિત્રોડાએ જણાવ્યું કે, ભાજપના એ લોકોએ તેમના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની શીખામણમાંથી બોધપાઠ લેવો જોઈએ, જે પોતાના વિરોધીઓને 'દેશદ્રોહી' જાહેર કરે છે.

અડવાણીના બ્લોગના આધારે સેમ પિત્રોડાના ભાજપ પર પ્રહાર

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદી અને ભાજપના બીજા નેતાઓ તરફથી આતંકવાદ અને રાષ્ટ્રીય સુરક્ષાને મુદ્દે રાહુલ ગાંધી પર નિશાન સાધવામાં આવ્યા બાદ ગાંધી પરિવારના નજીકના અને 'ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ'ના પ્રમુખ સેમ પિત્રોડાએ જણાવ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષે અંગત રીતે આતંકવાદનો ડંખ સહન કર્યો છે અને આવી સ્થિતિમાં તેમને આ વિષય પર સવાલ કરનારા લોકોને શરમ આવવી જોઈએ. 

અડવાણી પાસેથી બોધપાઠ મેળવે 
પિત્રોડાએ જણાવ્યું કે, ભાજપના એ લોકોએ તેમના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની શીખામણમાંથી બોધપાઠ લેવો જોઈએ, જે પોતાના વિરોધીઓને 'દેશદ્રોહી' કહે છે 

તેમણે જણાવ્યું કે, 'રાહુલ ગાંધીના દાદી(ઈન્દિરા ગાંધી) શહીદ થયા છે. પિતા રાજીવ ગાંધી શહીદ થયા છે. તેઓ જાણે છે કે આતંકવાદનો ડંખ શું હોય છે, કેમ કે તેમણે તેને સહન કર્યો છે. આ લોકો(BJP નેતા) આતંકવાદ પર તેમને પ્રશ્નો પુછી રહ્યા છે. તેમને શરમ આવવી જોઈએ.'

પિત્રોડાએ આ ટિપ્પણી એવા સમયે કરી છે, જ્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન મોદી અને ભાજપના નેતાઓ આતંકવાદ અને રાષ્ટ્રીય સુરક્ષાના વિષયો અંગે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર સતત પ્રહાર કરી રહ્યા છે. 

દેશદ્રોહી ઠેરવવાનો અધિકાર ભાજપને કોણે આપ્યો? 
ભાજપના વરિષ્ઠ નેતા અડવાણીએ તાજેતરમાં લખેલા બ્લોગના સંદર્ભમાં કરતાં પિત્રોડાએ જણાવ્યું કે, "હું અડવાણીજી સાથે અનેક બાબતે અસહમત છું, પરંતુ એક વ્યક્તિ તરીકે તેમનું સન્માન કરું છું. તેમણે યોગ્ય સમયે હસ્તક્ષેપ કર્યો છે. તેમણે બે વાત કરી છે- પ્રથમ એ કે, પોતાનો પ્રચાર ઓછો કરો, બીજું એ કે કોઈ તમારી સાથે અસહમત છે તો તે દેશદ્રોહી નથી. આ લોકોએ અડવાણીના આ બ્લોગમાંથી બોધપાઠ લેવાની જરૂર છે." 

પિત્રોડાએ સવાલ કર્યો કે, "ભાજપના નેતાઓને એ અધિકાર કોણે આપ્યો છે કે તેઓ બીજા લોકોને દેશદ્રોહી જાહેર કરે?"

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news