લીંબુ સોડા, રંગીલા રાજા, મદદગાર, સબકા માલિક એક...વોટ્સએપ ગ્રૂપથી અધિકારીઓની જાસૂસી

ગુજરાતમાં ચાલતા સૌથી મોટા જાસૂસી કાંડનો પર્દાફાશઃ ગુજરાતમાં કરવામાં આવી રહી છે સરકારી અધિકારીઓની જાસૂસી! સરકારી બાબુઓની હિલચાલ પર રાખવામાં આવી રહી હતી નજર. કોણ રાખી રહ્યું છે અધિકારીઓની ગતિવિધિ પર નજર? જાણો કોણ ચાલવતું હતું અલગ અલગ નામે જાસૂસી માટેના વોટ્સએપ ગ્રૂપ.

લીંબુ સોડા, રંગીલા રાજા, મદદગાર, સબકા માલિક એક...વોટ્સએપ ગ્રૂપથી અધિકારીઓની જાસૂસી

જયેન્દ્ર ભોઈ, પંચમહાલઃ  ગુજરાતમાં દિનપ્રતિદિન ગુનાઈત પ્રવૃત્તિઓનું પ્રમાણ વધી રહ્યું છે. હવે ગુનેગારો બનાવી રહ્યાં છે સરકારી અધિકારીઓને ટાર્ગેટ. ગુજરાત સરકારના અધિકારીઓ પર પણ કોઈ છુપી રીતે અને બદઈરાદાથી રાખી રહ્યું છે નજર! આ વાત જાણીને સરકારી બાબુઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. કારણકે, પ્રાપ્ત માહિતી મુજબ અલગ અલગ નામે વોટ્સએપ ગ્રૂપ બનાવીને સરકારી અધિકારીઓની એક એક ગતિવિધિ પર રાખવામાં આવી રહી છે નજર. આ વાત ત્યારે સામે આવી જ્યારે શંકાસ્પદ વોટ્સએપ ગ્રૂપ પકડાયું. જીહાં. સરકારી અધિકારીઓની રેકી એટલેકે જાસૂસી કરવામાં માટે રીતસર અલગ અલગ નામે વોટ્સએપ ગ્રૂપ બનાવાયા છે. 

ગુજરાતના આ જિલ્લામાં ચાલી રહી છે મોટી ગોલમાલઃ
આ સમગ્ર મામલો સામે આવ્યો છે ગુજરાતના પંચમહાલ જિલ્લામાં. આદિવાસી બહુલ ધરાવતા આ જિલ્લામાં કોઈને સપને પણ ખ્યાલ નહીં હોય કે અહીં ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખનીજ માફિયાઓ સરકારી અધિકારીઓ પર રાખી રહ્યાં છે નજર. પંચમહાલમાં વર્ષોથી મસમોટા ખનીજ અને લાકડાના કૌભાંડો ચાલતા આવે છે. અહીં હજાર કે લાખની નહીં અહીં કરોડો રૂપિયાના ગોલમાલની વાત છે. આ ગોલમાલમાં મોટા માથાઓ પણ સંડોવાયેલાં હોવાની આશંકા છે. ત્યારે પંચમહાલમાં ખનીજ અને લાકડા માફિયાઓ ગેરકાયદે રીતે પોતાનો ધંધો જમાવવા માટે સરકારી બાબુઓની ગતિવિધિ કે ક્યાં છે? કોની સાથે છે? એ દરેક ગતિવિધિ પર નજર રાખી રહ્યાં હોવાનો ઘટસ્ફોટ થયો છે.

ખનીજ અને લાકડા માફિયાઓનું રાજઃ
ખનીજ અને લાકડા માફિયાઓએ ગુજરાત સરકારના અધિકારીઓની રેકી કરી અને તેમના અંગે માહિતી એકત્રિત કરવા માટે રીતસર પગાર પર માણસો રાખ્યા હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. હાલમાં જ અધિકારીઓની રેકી કરવા બનાવેલું વધુ એક વોટ્સએપ ગ્રુપ સામે આવ્યું છે જેનું નામ 18-લોકસભા છે. આ અગાઉ પણ માફિયાઓ અને તેમના મળતિયાઓ દ્વારા અધિકારીઓની રેકી કરવા માટે લીંબુ સોડા, રંગીલા રાજા, સબકા માલિક એક, મદદગાર, કિસ્મત, જય શ્રી રામ અને જય અંબેના નામે વોટ્સએપ ગ્રૂપ બનાવીને તેમાં આંતરિક જાણકારીઓ પાસ કરવામાં આવતી હતી.

છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે રેકી કાંડઃ
તમને જણાવી દઈએ કે, પંચમહાલ જિલ્લામાં ખનીજ માફિયા અને જંગલમાંથી લાકડાચોરો અધિકારીઓની જાસૂસી કરતા બાતમીદારો ફરીથી સક્રિય થયા છે.. જેમાં જાસૂસી માટે ગ્રૂપ બનાવી તેની વાતચીત કરે છે. જિલ્લાના ખનીજ માફિયાઓ તેમજ જંગલના લાકડાચોરો અધિકારીનું લોકેશન વ્હોટ્સએપ ગ્રૂપ બનાવી આપ-લે કરી રહ્યા છે. અધિકારીઓની ગાડીઓ જ્યાંથી નીકળે ત્યાંથી લઈ જ્યાં તપાસ કરતા હોય અથવા તો કોઈ કાર્યક્રમમાં ગયા હોય તેની પળે પળની માહિતી ઓડિયો દ્વારા શેર કરવામાં આવે છે. ત્યારે એક પછી એક વિચિત્ર નામની ગ્રુપ બનાવીને માહિતીની આપ લે કરે છે.

વોટ્સએપ ગ્રૂપથી કઈ રીતે થાય છે સરકારી અધિકારીઓની જાસૂસીઃ
પંચમહાલ જિલ્લામાં ખનીજ માફિયા અને જંગલમાંથી લાકડાચોરો અધિકારીઓની જાસૂસી કરતા બાતમીદારો ફરીથી સક્રિય થયા છે. જેમાં જાસૂસી માટે વોટ્સએપ ગ્રૂપ બનાવી તેમાં અધિકારીઓ ની તમામ હિલચાલ અંગે વોઇસ મેસેજ મુકવામાં આવે છે. જિલ્લાના ખનીજ માફિયાઓ તેમજ જંગલના લાકડાચોરો અધિકારીનું લોકેશન વ્હોટ્સએપ ગ્રૂપ બનાવી આપ-લે કરી રહ્યા છે. અધિકારીઓની ગાડીઓ જ્યાંથી નીકળે ત્યાંથી લઈ જ્યાં તપાસ કરતા હોય અથવા તો કોઈ કાર્યક્રમમાં ગયા હોય તેની પળે પળની માહિતી ઓડિયો દ્વારા શેર કરવામાં આવે છે. ત્યારે એક પછી એક વિચિત્ર નામની ગ્રુપ બનાવીને માહિતીની આપ લે કરે છે.

માફિયાઓ ના ગ્રુપ ના નામો પણ વિચિત્ર!
ખનીજ માફિયાઓ દ્વારા અધિકારીઓ ના લોકેશન સહિત ની હિલચાલ પર નજર રાખવા માટે જે વોટ્સએપ ગ્રુપ બનાવવા માં આવે છે તેના નામો પણ ભારે વિચિત્ર હોય છે.પહેલાં "રંગીલા રાજા,લીંબુ સોડા,કિસ્મત,મદદગાર" જેવા ગ્રુપ ચાલતા હતા ત્યારે હમણાં ચૂંટણી નો માહોલ જોઈ આ માફિયાઓ દ્વારા "૧૮-લોકસભા" નામનું ગ્રુપ પણ બનાવી દીધું છે.જેમાં જિલ્લા ના મોટાભાગના ખનીજ અને લાકડા માફિયાઓ જોડાયેલા છે.

નિર્ધારિત સ્થળો પર જાસૂસી માટે પગાર પર રોકેલા માણસો દિવસ રાત પહેરો ભરે છેઃ
પંચમહાલ જિલ્લા માં કાલોલ તાલુકો એ ખનીજ અને લાકડા ચોરી માટે એપી સેન્ટર છે.અહીં થી પસાર થતી ગોમાં અને કરાડ નદી ની રેતી ની ભારે ડિમાન્ડ હોઈ ખનીજ માફિયાઓ એ જાણે આ નદીઓ નું વસ્ત્રાહરણ કર્યું હોય તેમ તેમાંથી રેતી કાઢી બેફામ ખનન કરી રહ્યા છે.ત્યારે અધિકારીઓ અને તેમની ટિમ ચોરી ના સ્થળે પહોંચી ન જાય તેના માટે નિર્ધારિત પ્રવેશ દ્વાર જેવા રસ્તાઓ જેમ કે ગોધરા થી તૃપ્તિ ચોકડી તેનાથી આગળ ચલાલી અને વેજલપુર ચોકડી તથા કાલોલ થી. મલાવ ચોકડી અને અલિન્દ્રા ચોકડી આ તમામ નિર્ધારિત સ્થળો છે જ્યા થી અધિકારીઓ ના વાહનો પ્રવેશ કરે છે તેથી આજ ચોકડી પર દિવસ રાત રેકી માટે માફિયાઓ ના માણસો પહેરો ભરતા હોય છે અને જેવા કોઈ પણ અધિકારી અન્ય કોઈ પણ કામ કે કાર્યક્રમ માટે જતા હોય તે છતાં તેમના લોકેશન વોટ્સએપ ગૃપ માં શેર થઈ જતા હોય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news