monsoon session: રાજ્યસભામાં હંગામા પર સરકારની પત્રકાર પરિષદ, 7 કેન્દ્રીય મંત્રીઓ મેદાનમાં ઉતર્યા

રાજ્યસભામાં થયેલા હોબાળા બાદ હવે વિપક્ષ અને સરકાર આમને-સામને આવી ગયા છે. સંસદની લડાઈ હવે સડક સુધી પહોંચી છે. 
 

monsoon session: રાજ્યસભામાં હંગામા પર સરકારની પત્રકાર પરિષદ, 7 કેન્દ્રીય મંત્રીઓ મેદાનમાં ઉતર્યા

નવી દિલ્હીઃ રાજ્યસભામાં બુધવારે સુરક્ષાકર્મીઓ સાથે થયેલા ઘર્ષણને લઈને કેન્દ્ર સરકાર અને વિપક્ષ આમને-સામને છે. કોંગ્રેસના આરોપો બાદ હવે સાત કેન્દ્રીય મંત્રીઓએ પત્રકાર પરિષદ યોજી પલટવાર કર્યો છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યુ કે, ચોમાસુ સત્ર દરમિયાન જે રીતે રસ્તાથી લઈને સંસદ સુધી અરાજકતા જોવા મળી છે, વિપક્ષે દેશની માફી માંગવી જોઈએ. આ મંત્રીઓમાં પીયુષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, પ્રહ્લાદ જોશી, અનુરાગ ઠાકુર, ભુપેન્દ્ર યાદવ, અર્જુન રામ મેઘવાલ અને વી મુરલીધરન સામેલ છે. 

કેન્દ્રીય મંત્રી પ્રહ્લાદ જોશીએ કહ્યુ કે સંસદ ચાલવા ન દેવાનો નિર્ણય પૂર્વ નિયોજીત હતો. તેમણે કહ્યું કે, જે ક્રમમાં ઘટનાઓ થઈ તેને જોતા સ્પષ્ટ ખ્યાલ આવે છે. વિપક્ષી સભ્યોએ કાચ તોડીને અંદર આપવાનો પ્રયાસ કર્યો. એક મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી. તેણે લેખિતમાં ફરિયાદ આપી કે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. ટેબલની ઉપર ચઢીને હંગામો કરવામાં આવ્યો હતો. કોઈ બિલ પાસ થયું નહીં, માત્ર ચર્ચા ચાલી રહી હતી. વિનંતી છતાં તેઓ માન્યા નહીં. 

— ANI (@ANI) August 12, 2021

કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે કહ્યુ કે, રાજ્યસભામાં વિપક્ષે જે વ્યવહાર કર્યો, તેનાથી ગૃહની ગરિમા ઘટી છે. ચેરમેન ઉપર ગમે તે આરોપ લગાવી પદની ગરિમાને ઓછી કરવામાં આવી છે. શરજમનક વ્યવહારનું પ્રદર્શન વિપક્ષે કર્યુ છે. વિપક્ષનો ઈરાદો શરૂઆતથી સ્પષ્ટ હતો. રાહુલ ગાંધીનો આરોપ છે કે સંસદમાં અમને બોલવા દેવામાં આવ્યા નહીં તેના પર કેન્દ્રીય મંત્રી ગોયલે કહ્યુ કે, પછી ગૃહ કઈ રીતે ચાલ્યું? કોવિડ પર ચર્ચા કઈ રીતે થઈ? હંગામો તે કરે, ખુરશીઓ ઉછાળે, પેપર ફાડે અને આરોપ અમારા પર લગાવે.

વિપક્ષને ટેક્યપેયર્સના પૈસાની કોઈ ચિંતા નથીઃ
આ પહેલા અનુરાગ ઠાકુરે કહ્યુ કે, સામાન્ય લોકો સંસદમાં પોતાના મુદ્દા પર વાત થાય તેની રાહ જોઈ રહ્યાં હતા. પરંતુ સંસદમાં અરાજકતા ચાલુ રહી. તેમને સામાન્ય લોકો અને કરદાતાઓના પૈસાની કોઈ ચિંતા નથી. જે પણ થયું તે નિંદાજનક છે. તેણે મગરની જેમ આંસુ વહાવવાની જગ્યાએ દેશની માફી માંગવી જોઈએ. 

દેશને બદનામ કરી રહ્યો છે વિપક્ષઃ સરકાર
વિપક્ષના પ્રદર્શનને લઈને કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યુ કે, કોંગ્રેસ પાર્ટી અને કેટલાક વિપક્ષના લોકો તો શરૂઆતથી કહી રહ્યાં હતા કે અમે સંસદના સત્રને વોશઆઉટ કરવા માટે વોશિંગ મશીન લાવ્યા છીએ. તમે માત્ર સંસદને બદનામ કરી રહ્યાં નથી પરંતુ દેશને બદનામ કરવાનું ષડયંત્ર રચી રહ્યાં છો. 

દેશ અને લોકતંત્ર શર્મસાર થયુંઃ BJP
ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યુ- જે પ્રકારનો વ્યવહાર આજે કોંગ્રેસ પાર્ટી અને કેટલીક અન્ય વિપક્ષી પાર્ટીઓએ રસ્તા પર ઉતરીને કર્યો છે. જે પ્રકાર અરાજકતા સંસદની અંદર વિપક્ષી પાર્ટીઓ અને ખાસ કરી રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીએ દેખાડી છે, તેનાથી દેશ અને લોકતંત્ર શર્મસાર થયું છે. તેમણે કહ્યું- એક સુરક્ષાકર્મીને પણ ઈજા થઈ છે. તે પણ હોસ્પિટલમાં છે. આ તે વિપક્ષ છે જે કહી રહ્યાં હતા કે સંસદનું એક વિશેષ સત્ર બોલાવવું જોઈએ, પરંતુ જ્યારે સત્ર ચાલી રહ્યું હતું, કોરોના પર એક દિવસ પણ ચર્ચા થવા દીધી નહીં. 

મહત્વનું છે કે આ પહેલા વિપક્ષના નેતાઓએ સંસદથી વિજય ચોક સુધી બેનર સાથે માર્ચ કરી હતી. જેમાં કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે, રાષ્ટ્રીય જનતા દળના મનોજ કુમાર ઝા, શિવસેનાના સાંસદ સંજય રાઉત અને અન્ય નેતા માર્ચમાં સામેલ થયા હતા. માર્ચ બાદ રાહુલ ગાંધીએ સંવાદદાતાઓ સાથે વાતચીતમાં કહ્યુ કે, સંસદના સત્ર દરમિયાન લોકતંત્રની હત્યા કરવામાં આવી. તો શિવસેના સાંસદ રાઉતે કહ્યુ કે સંસદના સત્ર દરમિયાન વિપક્ષી દળોના નેતા જનતાના હિતની વાત કહેવા ઈચ્છતા હતા. આ સંસદનું સત્ર નહતું, પરંતુ આ દરમિયાન સરકારે લોકતંત્રની હત્યા કરી છે. તેમણે કહ્યું કે, માર્શલના પોશાલમાં કાલે કેટલાક ખાનગી લોકોએ રાજ્યસભામાં મહિલા સાંસદો પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે, તેમને એવું લાગ્યું કે, માર્શલ કાયદો લાગૂ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news