લોકસભા-2019: બીજા તબક્કામાં ભાજપ સામે 26 સીટ બચાવવાનો પડકાર

લોકસભા ચૂંટણી 2019ના બીજા તબક્કાનું મતદાન ગુરૂવારે 18 એપ્રિલના રોજ 13 રાજ્યની 95 બેઠક માટે થવાનું છે. આ તબક્કામાં AIADMK સામે સૌથી વધુ 35 અને ભાજપ સામે 26 બેઠકો બચાવવાનો પડકાર છે 

લોકસભા-2019: બીજા તબક્કામાં ભાજપ સામે 26 સીટ બચાવવાનો પડકાર

ઝી ડિજિટલ ડેસ્ક/ અમદાવાદઃ લોકસભા ચૂંટણી 2019ના બીજા તબક્કાનું મતદાન ગુરૂવારે 18 એપ્રિલના રોજ 13 રાજ્યની 95 બેઠક માટે થવાનું છે. આ તબક્કામાં AIADMK સામે સૌથી વધુ 35 અને ભાજપ સામે 26 બેઠકો બચાવવાનો પડકાર છે. આ તબક્કામાં કોંગ્રેસની 11, શિવસેનાની 4, BJDની 3, RJD અને JD-Sની બે-બે, સીપીએમ, જેડીયુ, તૃણમુલ કોંગ્રેસ, એનસીપી, નેશનલ કોન્ફરન્સ, એઆઈયુડીએફ, પીએમકે અને AINRCની 1-1 સીટ દાવ પર છે. ઉલ્લેખનીય છે કે, પ્રથમ તબક્કામાં 11 એપ્રિલના રોજ લોકસભાની 91 સીટ પર 20 રાજ્યમાં મતદાન યોજાયું હતું.

બીજા તબક્કાનું મતદાન
રાજ્ય                  સીટ
તમિલનાડુ            38
કર્ણાટક                 14
મહારાષ્ટ્ર              10
ઉત્તરપ્રદેશ            08
આસામ                05
બિહાર                  05
ઓડિશા                05
પ. બંગાળ            03
જમ્મુ-કાશ્મીર        02
મણિપુર, ત્રિપુરા અને પોડુચેરીમાં 1-1 સીટ માટે મતદાન 

શું AIADMK પોતાની 35 સીટ બચાવી શકશે
તમિલનાડુની તમામ 38 બેઠક પર ગુરુવારના રોજ મતદાન યોજાવાનું છે. રાજ્યના બે દિગ્ગજ નેતા અન્નાદ્રમુકના દિવંગત જે. જયલલિતા અને દ્રમુક નેતા એમ.કરૂણાનિધિ વગર પ્રથમ વખત આ ચૂંટણી યોજાઈ રહી છે. વર્ષ 2014ની ચૂંટણીમાં AIADMKના જયલલિતાના નેતૃત્વમાં પાર્ટીએ અહીંની 39માંથી 37 સીટ પર કબ્જો કર્યો હતો. અહીં પેટા ચૂંટણીમાં પાર્ટી એક સીટ હારી ગઈ હતી અને હવે તેની સામે 36 સીટ બચાવાનો પડકાર છે. અહીં, AIADMKને DMK અને કોંગ્રેસના ગઠબંધનનો મોટો પડકાર છે. 

કમલ હાસન પ્રથમ વખત ચૂંટણી મેદાનમાં
અભિનેતામાંથી નેતા બનેલા કમલ હાસનની પાર્ટી મક્કલ નિધિ મય્યમ પણ પ્રથમ વખત ચૂંટણી મેદાનમાં છે. 

કોંગ્રેસના તમિલનાડુમાં 9 ઉમેદવાર
કોંગ્રેસે તમિલનાડુમાં 2014ની ચૂંટણીમાં એક પણ સીટ પર વિજય મેળવ્યો ન હતો. આ વખતે તેણે ડીએમકે સાથેના ગઠબંધનમાં 9 સીટ પર પોતાના ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે. 

કર્ણાટકમાં 14 સીટ પર મતદાન
કર્ણાટકમાં ગુરૂવારે બીજા તબક્કામાં 14 સીટ પર મતદાન યોજાવાનું છે. અહું તુમકુર સીટ પર પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવેગૌડા ચૂંટણી લડી રહ્યા છે. તેમણે પોતાની પારંપરિક સીટ હાસનને પૌત્ર રેવન્ના માટે ખાલી કરી છે. દેવેગૌડાનો બીજો પૌત્ર નિખિલ કુમારસ્વામી માંડ્યા સીટ પરથી ચૂંટણી મેદાનમાં છે. અહીં તેની ટક્કર દિવંગત કન્નડ અભિનેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી એમ.એ. અંબરીશનાં પત્ની સમાલતા સાથે છે. કર્ણાટકમાં ભાજપે 2014ની ચૂંટણીમાં 6 સીટ જીતી હતી. 

ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભાજપની અગ્નીપરીક્ષા
મહારાષ્ટ્રમાં 10 સીટ પર મતદાન યોજાવાનું છે, જેમાં ભાજપ અને શિવસેના સામે પોત-પોતાની 4-4 સીટ બચાવવાનો પડકાર રહેશે. જોકે, અહીં તેમને કોંગ્રેસ-એનસીપી ગઠબંધનનો મોટો પડકાર મળી રહ્યો છે, કેમ કે તેઓ ખેડૂતોમાં અસંતોષ અને બેરોજગારીના મુદ્દાને અહીં ઉઠાવી રહ્યા છે. 

ઉત્તરપ્રદેશમાં પ્રથમ તબક્કામાં 8 સીટ પર મતદાન થયું હતું. હવે બીજા તબક્કામાં પણ 8 સીટ પર મતદાન યોજાવાનું છે. ભાજપે 2014માં તમામ 8 સીટ પર વિજય મેળવ્યો હતો, પરંતુ આ વખતે તેને સપા, બસપા અને આરએલડીના ગઠબંધનનો મોટો પડકાર મળી રહ્યો છે. 

આસામમાં 5 બેઠક પર મતદાન
આસામમાં 5 સીટ પર મતદાન યોજાવાનું છે. 2014ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે બે-બે સીટ જીતી હતી અને એક સીટ AIUDFને મળી હતી. 

બિહારમાં 5 સીટ પર મતદાન
બિહારમાં યોજાનારી 5 સીટના મતદાનમાં 2014માં ભાજપને એક પણ સીટ મળી ન હતી. આ મોટાભાગની સીટ સીમાંચલ વિસ્તારની છે અને અહીં મુસ્લિમ વસતી વધારે છે. જેના કારણે અહીં ભાજપ માટે માર્ગ કાંટાળો છે. 

છત્તીસગઢમાં 3 સીટ પર મતદાન
છત્તીસગઢમાં પણ બીજા તબક્કામાં 3 સીટ પર મતદાન યોજાવાનું છે. ભાજપે 2014માં આ ત્રણેય સીટ જીતી હતી. જોકે, આ વખતે તેણે વર્તમાન સાંસદોની ટિકિટ કાપીને નવા ઉમેદવારોને ટિકિટ આપી છે. અહીં, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે, કેમ કે કોંગ્રેસે તાજેતરમાં જ રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવીને સરકાર બનાવી છે. 

અન્ય રાજ્યોની સ્થિતિ
પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કામાં જલપાઈગુડી, રાયગંજ અને દાર્જિલિંગમાં મતદાન યોજવાનું છે. ઓડિશામાં ચાર સીટ પર મતદાન યોજાશે, જેમાંથી સુંદરગઢ સીટ પર ભાજપે 2014માં કબ્જો કર્યો હતો. જોકે, રાજ્યની 21માંથી 20 સીટ પર બીજુ જનતા દળનો કબ્જો છે. રાજ્યમાં બીજેડીની પકડ મજબૂત છે. જમ્મુ-કાશ્મીરમાં 2014ની ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કોંગ્રેસના ગુલામનબી આઝાદને હરાવ્યા હતા. આ વખતે તેમની ટક્કર પૂર્વ કેન્દ્રીય મંત્રી કર્ણ સિંહના પુત્ર વિક્રમાદિત્ય સિંહ સાથે થશે. શ્રીનગર સીટ પરથી નેશનલ કોન્ફરન્સના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ફારૂક અબ્દુલ્લા ચૂંટણી મેદાનમાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news