હવે બિદાસ્ત થઈ ફરી આવો! અમદાવાદથી SoUની ટૂર એક દિવસમાં પુરી, જાણો કઈ સુવિધાઓનો થયો ઉમેરો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકતાનગરથી દેશની પહેલી હેરિટેજ ટ્રેનને લીલી ઝંડી દેખાડી હતી. આ ટ્રેનમાં ભારતના વારસા અને આધુનિક સુવિધાઓનો સંગમ છે. ટ્રેનના એન્જિનને સ્ટીમ એન્જિન જેવો દેખાવ અપાયો છે.

હવે બિદાસ્ત થઈ ફરી આવો! અમદાવાદથી SoUની ટૂર એક દિવસમાં પુરી, જાણો કઈ સુવિધાઓનો થયો ઉમેરો?

ઝી બ્યુરો/વડોદરા: સરદાર પટેલની જન્મજયંતિએ ગુજરાતમાં પહેલી હેરિટેજ ટ્રેન પણ દોડતી થઈ છે. અમદાવાદથી એક્તા નગર વચ્ચે દોડતી થયેલી આ ટ્રેન પોતાનામાં ખાસ છે. શું છે ટ્રેનની ખાસિયતો? દાર્જિલિંગ, નિલગીરી, કાલ્કા શિમલા અને માથેરાન જેવા હિલ સ્ટેશનો પર તમે હેરિટેજ ટ્રેનની મુસાફરી કરી હશે. પણ હવે તમે ગુજરાતમાં પણ હેરિટેજ ટ્રેનમાં મુસાફરી કરી શકશો. જો તમે અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનું આયોજન કરી રહ્યા છો, તો તમને હેરિટેજ ટ્રનનો વિકલ્પ પણ મળી રહેશે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકતાનગરથી દેશની પહેલી હેરિટેજ ટ્રેનને લીલી ઝંડી દેખાડી હતી. આ ટ્રેનમાં ભારતના વારસા અને આધુનિક સુવિધાઓનો સંગમ છે. ટ્રેનના એન્જિનને સ્ટીમ એન્જિન જેવો દેખાવ અપાયો છે. જો કે ટ્રેન ઈલેક્ટ્રીસિટીથી ચાલે છે. ટ્રેનની બહારનો દેખાવ પણ સફારી વાહન જેવો છે. હેરિટેજ લૂક સાથેની આ ટ્રેન અંદરથી શાહી સુવિધાઓથી સજ્જ છે. ટ્રેનની અંદરનું ઈન્ટિરિયર રજવાડી લૂક સાથે તૈયાર કરાયુ છે. ચેર કારની વિન્ડોના કાચ વિસ્ટા ડોમ જેવા છે, જેમાંથી ટ્રેનના રૂટ પરના કુદરતી નજારાને આરામદાયક રીતે માણી શકાય છે.  

100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડનારી ટ્રેનમાં 4 કોચ છે, જેમાંથી 3 પેસેન્જર કોચ છે, પ્રત્યેકની બેઠક ક્ષમતા 48 મુસાફરોની છે, એટલે કે ટ્રેનમાં 144 મુસાફરો મુસાફરી કરી શકશે. ટ્રેનમાં લગેજ રેક વ્યવસ્થા તેજસ એક્સપ્રેસના કોચ જેવી છે. બારી બંધ કરવા માટે ખાસ પડદાં છે. અત્યાધુનિક સુવિધાઓ વચ્ચે મુસાફરોએ ટ્રેનની પહેલી યાત્રાને માણી હતી. ટ્રેનમાં ચા નાસ્તો કરવા માટે એક અલગ એસી કોચની સુવિધા છે. આ રેસ્ટોરન્ટમાં 28 મુસાફરોની બેઠક ક્ષમતા છે. રેસ્ટોરન્ટના ડાઈનિંગ ટેબલ સાગના લાકડામાંથી બનેલા છે, ફર્નિચર અને પેઈન્ટિંગ કોચને શાહી દેખાવ આપે છે. કોચમાં બ્રાન્ડેડ ફિટિંગ સાથે FRP મોડ્યુલર ટોઈલેટ છે. 

હેરિટેજ ટ્રેન પાંચમી નવેમ્બરથી દર રવિવારે દોડશે. ટ્રેન અમદાવાદથી સવારે 6 વાગીને 10 મિનિટે ઉપડશે અને 9 વાગીને 50 મિનિટે એટલે કે 3 કલાક 40 મિનિટમાં કેવડિયા પહોંચાડશે. એકતાનગરથી ટ્રેન રાત્રે 8 વાગીને 23 મિનિટે ઉપડશે અને રાત્રે 12 વાગીને 5 મિનિટે અમદાવાદ પહોંચશે. 182 કિલોમીટરના રૂટ પર બંને તરફની ટ્રેન સ્ટોપેજ વિના એટલે કે નોન સ્ટોપ દોડશે. એક તરફની મુસાફરીનું ભાડું 885 રૂપિયા છે. ટ્રેનને મળતાં પ્રતિભાવને આધારે ફ્રિકવન્સી વધારવામાં આવશે. હાલ તો સ્ટેચ્યુ ઓફ યુનિટીના એક દિવસના ટૂર પર જવા માગતા લોકો માટે ટ્રેન સારો વિકલ્પ બની શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news