CM કાર્યક્રમ રદ કરી શકે છે, તો અલ્પેશ ઠાકોર કેમ નહિ... હજારોનું ટોળુ ભેગુ કરી ભાજપના નેતા ક્રિકેટ રમ્યા

CM કાર્યક્રમ રદ કરી શકે છે, તો અલ્પેશ ઠાકોર કેમ નહિ... હજારોનું ટોળુ ભેગુ કરી ભાજપના નેતા ક્રિકેટ રમ્યા
  • અલ્પેશ ઠાકોરને કોરોના કપરા સમયે ટોળા ભેગા કરીને ક્રિકેટ કેમ રમવુ છે?
  • ખેરાલુ તાલુકાના મંદ્રોપુર ખાતે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો કાર્યક્રમ યોજાયો

તેજસ દવે/મહેસાણા :કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે, આવામાં ગુજરાતના મોટા કાર્યક્રમોના આયોજન પર રોક લગાવી દેવામા આવી છે. આવામા ભાજપ (BJP) ના જ દિગ્ગજ નેતાઓ જ સરકારે બનાવેલા નિયમો (corona guideline) નુ ઉલ્લંઘન કરીને કાર્યક્રમો યોજી રહ્યા છે. મહેસાણા જિલ્લામાં સોશિયલ ડિસ્ટન્સનાં ધજાગરા ઉડ્યા છે. ભાજપના નેતા અલ્પેશ ઠાકોર (Alpesh Thakor) ની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં લોકો નાઈટ ક્રિકેટના આયોજનમાં એકઠા થયા હતા. ત્યારે આ કાર્યક્રમનો વીડિયો (video) સામે આવ્યો છે, જેમાં જનમેદની ઉમટેલી દેખાઈ રહી છે. 

આખરે અલ્પેશ ઠાકોરની હાજરીમાં આટલો મોટો કાર્યક્રમ કેવી રીતે યોજાયો
ખેરાલુ તાલુકાના મંદ્રોપુર ખાતે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સોશિયલ ડિસ્ટન્સ (social distance) ના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. ભાજપના નેતા અલ્પેશ ઠાકોરની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમમાં મોટાભાગના લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા. એક તરફ ગુજરાતના સીએમ ભુપેન્દ્ર પટેલે (Bhupendra Patel) સરકારી કાર્યક્રમો પર રોક લગાવી છે, તેમજ પોતાના કાર્યક્રમો પણ રદ કર્યા છે, તો પછી અલ્પેશ ઠાકોરની હાજરીમાં આટલો મોટો કાર્યક્રમ કેવી રીતે યોજાઈ ગયો. 

પાર્ટીએ કર્યો પોતાના નેતાનો બચાવ
નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કોરોનાની તમામ ગાઈડલાઈનનો ભંગ જોવા મળી રહ્યો હતો. અલ્પેશ ઠાકોરની હાજરીમાં જ હજારોની મેદની એકઠી થઈ હતી. આ વિશે ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે પોતાના પક્ષના નેતાનો બચાવ કરતા જોવા મળ્યા હતા. ઝી 24 કલાક સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, અલ્પેશ તેના આયોજનમાં ન હતા. તેઓ કેમ ગયા તેની તપાસ કરીશું. ચૂક થયેલી છે તે દેખાઈ આવે છે. પરિસ્થિતિ ખરાબ છે, સેકન્ડ વેવ કરતા થર્ડ વેવમાં હોસ્પિટલાઈઝેશનનું પ્રમાણ ઓછું છે અને ઓક્સિજનની પણ અછત નથી. સંક્રમણ બહુ નથી. 

ભાજપના જ નેતા નિયમોને ઘોળીને પી ગયા 
દિગ્ગજ નેતાની આ હરકતથી અનેક સવાલો ઉભા થાય છે કે, શું અલ્પેશ ઠાકોરને કોરોનાનો નથી લાગતો ડર? જો ગુજરાતના CM કાર્યક્રમ રદ કરી શકે છે, તો અલ્પેશ ઠાકોર કેમ નહિ. કેમ ભાજપના નેતાઓ સરકારના જ નિયમોને ઘોળીને પી જાય છે. કાયદો જો બધા માટે સમાન છે તો પછી નેતાઓને કેમ લાગુ પડતો નથી. કેમ નેતાઓ વારંવાર આ પ્રકારની હરકતો કરી રહ્યાં છે, સાથે જ લોકોના જીવ જોખમે મૂકી રહ્યાં છે. ગુજરાતમાં કોરોનના કેસનો આંકડો 5 હજાર પર પહોંચી ગયો છે, તો શુ નેતાઓ જ જનતાને મોતના મુખમાં ધકેલી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news