BREAKING: કેડિલા ફાર્માના માલિક રાજીવ મોદીની મુશ્કેલીમાં વધારો! સોલા પોલીસે નોંધ્યો દુષ્કર્મનો ગુનો

Cadila Pharma CMD: કેડિલા ફાર્માના માલિક રાજીવ મોદીની મુશ્કેલી વધી છે. વિદેશી યુવતીના આરોપો બાદ આખરે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. IPCની કલમ 376, 354, 506(2) મુજબ ફરિયાદ નોંધાઈ છે. 

BREAKING: કેડિલા ફાર્માના માલિક રાજીવ મોદીની મુશ્કેલીમાં વધારો! સોલા પોલીસે નોંધ્યો દુષ્કર્મનો ગુનો

Cadila Pharma CMD: ઝી બ્યુરો/અમદાવાદ: 200 કરોડમાં છૂટાછેડા લેનારા કેડિલા ફાર્માસ્યૂટિકલ્સના સીએમડી રાજીવ મોદીની મુશ્કેલી વધી છે. આખરે કેડિલા ફાર્માના માલિક રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ ચુકી છે. ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ વિદેશી યુવતીની ફરિયાદ સોલા પોલીસે નોંધી છે. પોલીસે કેડિલા ફાર્માના માલિક રાજીવ મોદી વિરુદ્ધ IPCની કલમ 376, 354, 506(2) મુજબ ફરિયાદ નોંધાઈ છે. તમને જણાવી દઈએ કે રાજીવ મોદી સામે ફરિયાદ નોંધવા બલ્ગેરિયન યુવતીએ દુષ્કર્મના આરોપ લગાવ્યા હતા. ત્યારબાદ તેણે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. વર્ષ 2023ના માર્ચ મહિનામાં બનેલી ઘટનાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.  

ફરિયાદ દાખલ થતા સોલા પોલીસે કેસની તપાસ શરૂ કરી દીધી છે. રાજીવ મોદી ઉપરાંત જોહન્સન મેથ્યુ વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ થઈ છે. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, 22 ફેબ્રુઆરીથી લઈને માર્ચ સુધી વિદેશી યુવતી પર શારીરિક દુષ્કર્મ આચારવામાં આવ્યું હતું. યુવતીએ છારોડી કેડીલા ફાર્મ હાઉસમાં દુષ્કર્મ આચર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

યુવતીની અરજીની પોલીસ સ્ટેશને નોંધ ન લીધી  
અગાઉ બલ્ગેરિયાની યુવતીની અરજીની સ્થાનિક પોલીસ સ્ટેશને નોંધ ન લેતા યુવતીએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. તેણે કરેલી રિટ અરજીમાં સીએમડી વિરુદ્ધ આઇપીસીની કલમ ૩૭૬, ૩૫૪, ૩૨૩, ૫૦૪ અને ૫૦૬ મુજબ  પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી ફરિયાદ કરી હતી. ત્યારે જસ્ટિસ જે.સી.દોશીએ નીચલી કોર્ટમાંથી કેસના રેકર્ડ એન્ડ પ્રોસીડીંગ્સ મંગાવતો નિર્દેશ કર્યો હતો.

યુવતીની ફરિયાદ, મારી ફરિયાદ લેવાતી નથી
યુવતી દ્વારા અરજી કરવામાં આવી હતી કે, તે મૂળ બલ્ગેરિયન નાગરિકત્વ ધરાવે છે અને તેણી 2022માં કેડિલા ફાર્મા કંપનીના સીએમડી રાજીવ મોદીની પર્સનલ આસીસ્ટન્ટ તરીકે જોડાઇ હતી. સીએમડી સાથે તેને કંપનીના કામે ઉદયપુર, જમ્મુ સહિતના જુદા જુદા સ્થળોએ જવાનું થતુ હતું. સીએમડીએ તેણીને એટલે સુધી જણાવ્યું હતું કે, નોકરી કરવી હોય તો તેમાં બાંધછોડ પણ કરવી પડે. સીએમડી ઘણી વખત અન્ય લોકોની હાજરીમાં પણ તેણીની સાથે અણછાજતું વર્તન કરતા હતા. 

કંપનીના સીએમડીની સાથે કંપનીના જ અન્ય એક ઉચ્ચ અધિકારી જોન્સન મેથ્યુ પણ આ સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા છે. અરજદારે ફાર્મા કંપનીના સીએમડી અને આ અધિકારી વિરૂધ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે વસ્ત્રાપુર મહિલા પોલીસમથકમાં પણ અરજી આપી હતી. પરંતુ વારંવારની રજૂઆત અને લેખિત પુરાવા છતાં તેની ફરિયાદ નોંધવામાં આવતી નહોતી. અરજદારે સંબંધિત સત્તાવાળાઓ સમક્ષ પણ ગુહાર લગાવી હતી પરંતુ કોઇ પરિણામ નહી આવતાં તેણીએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.

નીચલી કોર્ટના પણ દરવાજા ખખડાવ્યા
યુવતી દ્વારા એવુ પણ જણાવાયું હતું કે મેં નીચલી કોર્ટમાં પણ અરજી કરી હતી. પરંતુ કોર્ટે તેને નામંજૂર કરી હતી. આ ઘટનામાં મહિલા એસપીએ તેનું નિવેદન નોંધ્યું હતું. તેના બાદ તેને કહેવામાં આવ્યું કે અરજી પાછી ખેંચી લે. મારો સામાન પાછો આપવાનું કહીને તેની પાસેથી સહીઓ કરાવીને તેને છેતરવામાં આવી હતી.

યુવતીએ એફિડેવિટની સાથે 28 દસ્તાવેજો રજૂ કર્યા
તા.24મી અને 26મી ફેબ્રુઆરીના રોજ યુવતી સાથે સીએમડીએ અણછાજતું કૃત્યુ અને વ્યવહારની જાતીય સતામણી કરી હતી. આ મામલે આ વિદેશી યુવતીએ મહિલા આયોગ, નવરંગપુરા પોલીસ મથક, સોલા પોલીસ મથક, મહિલા પોલીસ સ્ટેશનમાં કેડીલા ફાર્માસ્યૂટિકલ્સ કંપનીના સીએમડી રાજીવ ઈન્દ્રવદનભાઈ મોદી અને તેમને મદદ કરનાર જોન્સન મેન્થુ સામે જાતીય સતામણી અને દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવા માટે લેખિત ફરિયાદ કરી હતી. પરંતુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાના આરોપો છે. 

આ પ્રકરાણમાં ભોગ બનેલ યુવતીએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં કેડીલા ફાર્માસ્યુટીકલ્સ કંપનીના સીએમડી રાજીવ ઈન્દ્રવદનભાઈ મોદી અને તેમને મદદ કરનાર જોન્સન મેન્થુ સામે ફરિયાદ કરી હતી. જેમાં ભોગ બનેલી યુવતીએ એફિડેવિટની સાથે 28 દસ્તાવેજો રજૂ કર્યા હતા. આ દસ્તાવેજો કયા છે એની વિગતો તો બહાર આવી નથી પણ આ દસ્તાવેજો સાચા ઠર્યા તો પોલીસ પણ ભરાશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news