આ ગુજરાતી ખેડૂત 51,000 રૂપિયામાં વેચે છે એક તરબૂચ, એવું તો શું છે આ તરબૂચમાં!

Gujarat Farmers રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : કચ્છના ખેડૂત દ્વારા અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે પોતાની જમીનમાં લેબ તૈયાર કરી અને તેમાં 80 પ્રકારના તરબૂચ અને 80 પ્રકારની શક્કર ટેટીનું વાવેતર કરવામાં આવ્યું છે. 400 ગ્રામથી લઇ 4 કિલો સુધીનું ઉત્પાદન મળી રહ્યું છે. જેમાં 9 ટકા થી 18 ટકા સુગર મીઠાશવાળા ફળ મળી રહ્યા છે. તો ગુજરાતના 600 જેટલા ખેડૂતોએ તેમની લેબની મુલાકાત લઈને માર્ગદર્શન પણ મેળવ્યું છે.

1/8
image

સૂકા રણ પ્રદેશ કચ્છમાં પ્રગતિશીલ ખેડૂતોએ અનેક પ્રકારના પાકો લઈને સફળ ઉત્પાદન કરી બતાવ્યું છે. સ્ટ્રોબેરી, દ્રાક્ષ, શિમલા મિર્ચ, એકઝોટિક વેજીટેબલ જેવા પાકો લઈને પણ ખેડૂતોએ કાઠું કાઢયું છે ત્યારે કચ્છના ખેડૂતો માટે તરબૂચ અને શક્કર ટેટીની ખેતી આશીર્વાદ સમાન બની છે.ભુજ તાલુકાના ચપરેડી ગામની અંદર 160થી વધુ પ્રકારની શક્કર ટેટી અને તરબૂચનું વાવેતર કરીને ટેસ્ટિંગ લેબ બનાવવામાં આવી છે.

2/8
image

કચ્છની રેતાળ જમીન પર જ્યાં બીજા પાકો નથી થઇ શક્તા, ત્યાં તરબૂચની ખેતી આસાનીથી થઇ શકે છે. તરબૂચમાં 90 ટકા પાણી હોવાથી ઉનાળાના સમયમાં તેની માંગ ખુબ જ વધારે રહેતી હોય છે. ખેડૂતો ઓછા સમયમાં પાક તૈયાર કરીને વધુ નફો મેળવી શકે છે .તરબૂચની ખેતીમાં ફળ એક સાથે પરીપક્વ થઇ જતા હોવાથી એક સાથે વેચી શકાય છે. જેથી બજારમાં પણ ભાવ સારા મળી શકે છે. 

3/8
image

ચપરેડી ગામના ખેડૂત હરિભાઈ ગાગલે પોતાની વાડીમાં 5 એકરમાં એક વિશિષ્ટ પ્રયોગ કર્યો છે. જેમાં 2.5 એકરમાં 80 પ્રકારની શક્કર ટેટી તો 2.5 એકરમાં 80 પ્રકારના તરબૂચના વિવિધ કંપનીના બિયારણો વાવીને પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાં અમુક બિયારણો નિષ્ફળ પણ ગયા છે, તો અમુક બિયારણો નું પરિણામ ખૂબ જ સારું મળ્યું છે. 160 થી વધુ પ્રકારની શક્કર ટેટી અને તરબૂચની વેરાયટીઓનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં 400 ગ્રામથી લઇ 4 કિલો સુધીનું ઉત્પાદન એક ફળનું મળી રહ્યું છે. 

4/8
image

વિવિધ પ્રકારના બિયારણો દ્વારા કરવામાં આવેલ ઉત્પાદનના ફળોમાં 9 ટકા સુગરથી લઈને 18 ટકા સુગરવાળા ફળોનું ઉત્પાદન થતું છે. 160 પ્રકારના આ વિવધ ફળોમાં અલગ અલગ તફાવત જોવા મળી રહ્યા છે અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફળો પણ જોવા મળી રહ્યા છે. આ પ્લોટ નિદર્શનનો મુખ્ય હેતુ કે પોતાની જમીનમાં પોતાની લેબ તૈયાર થાય અને પોતાના જ ઉત્પાદનને ચેક કરી શકાય તેમજ સફળ બિયારણોનું તારણ મેળવીને આગામી સમયમાં સફળ ઉત્પાદન માટે ક્યાં પગલાં લેવા તે જાણીને અન્ય ખેડૂતોને પણ માર્ગદર્શન આપી શકાય તે છે.

5/8
image

હરિભાઈએ વધુમાં જણાવ્યું હતું કે એકર દીઠ 20 ટન તરબૂચનું ઉત્પાદન થઈ રહ્યું છે. તો શક્કર ટેટીમાં 12 ટન જેટલું એકરદીઠ ઉત્પાદન મળી રહ્યું છે. કચ્છની તરબૂચ અને શક્કરટેટીની ખેતીથી પ્રભાવિત થઈને ગુજરાતમાંથી 650 જેટલા ખેડૂતોએ આ લેબની મુલાકાત લીધી હતી અને ખાસ કરીને આ 160 પ્રકારના ઉત્પાદનો અંગેની માહિતી મેળવી હતી. તો આ સમયે તરબૂચ અને શક્કર ટેટીની હરાજી પણ યોજાઈ હતી. જેમાં એક તરબૂચ 51000 તો એક શક્કર ટેટી 41000ના ભાવે બોલી થઈ હતી. જોકે આ કિંમત તરબૂચ કે શક્કર ટેટીની નથી. પરંતુ ખેડૂતે કરેલ સાહસ અને મહેનતની છે

6/8
image

સીડ ટુ હાર્વેસ્ટ કન્સલટન્સીના અનિલ વગાસિયાએ જણાવ્યું હતું કે, હરિભાઈ દ્વારા પોતાની વાડીમાં 160 જેટલી કંપનીઓના બિયારણથી ટેટી અને તરબૂચ ની 80-80 જેટલી વેરાયટી વાવી હતી. જેમાંથી હાલમાં કચ્છના 43થી 45 ડિગ્રી જેટલા તાપમાનમાં કેટલીક વેરાયટીઓ નિષ્ફળ રહી હતી. હાલમાં ખેતીની આ પાકની ઓફ સીઝન ચાલી રહી છે છતાં પણ ખૂબ જ સારો પાક મળી રહ્યો છે. હરિભાઈ દ્વારા દરેક પ્રકારની વેરાઈટીઓ તૈયાર થઈ જતા હરાજી ગોઠવવામાં આવી હતી જેમાં ગુજરાતભરમાંથી 650 જેટલા ખેડૂતો જોડાણા હતા. ઉપરાંત વિવિધ કંપનીના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા

7/8
image

આ લેબમાં ગુજરાતના પોરબંદર, રાજકોટ, જૂનાગઢ અને જામનગરથી ખેડૂતો આવ્યા હતા. તરબૂચ અને ટેટીની હરાજી કરવામાં આવી હતી. જેમાં એક તરબૂચના ભાવની બોલી 1,000 થી શરૂ થઈ હતી અને 51,000 પર અટકી હતી. તો ટેટીની હરાજીમાં પણ 41,000 સુધી બોલી લાગી હતી. જોકે આ ભાવ કોઈ તરબૂચ કે ટેટીના નહીં પરંતુ ખેડૂત દ્વારા ઓફ સીઝનમાં પણ પાકનું સફળ ઉત્પાદન તેમજ પોતાની વાડીમાં 160 પ્રકારની વેરાયટીઓનું વાવેતર કરવા માટે કરવામાં આવેલ સાહસ અને મહેનત માટેની બોલી હતી એટલે કે આશ્વાસન આપવામાં આવ્યું હતું.   

8/8
image